Sunday, 13 April 2014

તેલંગાના કિસાન વિદ્રોહ અને સ્તાલીનવાદી સીપીઆઇ

 
રાજેશ ત્યાગી/ ૦૫-૦૪-૨૦૧૪
અનુવાદ: કલ્પેશ ડોબરીયા

પ્રતિક્રાંતિકારી અપરાધોની એ અનંત શ્રુંખલામાં, કે જે છેલ્લી સદીમાં સ્તાલીનવાદીયો દ્વારા અમલમાં મુકવામાં હતી, સદીની એકદમ વચ્ચે પ્રગટ થયેલો તેલંગાનાનો ખેડૂત વિદ્રોહ (૧૯૪૮-૫૧), એક અગત્યની કડીરૂપ હતો.
પહેલાં, નિઃશસ્ત્ર યુવાનો અને ખેડૂતોને, ક્રાંતિકારી ઉભારના નામ પર, પૂંજીવાદી રાજ્યની સશસ્ત્ર સેનાઓ સામે ધકેલીને, અને પછી લડાઈ અધવચ્ચે છોડી ને અલગ થઇ જનાર સી.પી.આઈ. નું અવસરવાદી નેતૃત્વ, પ્રત્યક્ષ રીતે સ્તાલીનના નિર્દેશો વડે સંચાલિત હતું, જેનું એકમાત્ર લક્ષ્ય હતું ક્રેમલીનની રાષ્ટ્રીય બ્યુરોક્રેતિક સત્તાનું હિત.

તેલંગાનાનો સમય, ‘રણદિવે થીસિસથી શરુ થાય છે, જે સીપીઆઇની કલકત્તા કોંગ્રેસમાં રજુ કરવામાં આવી હતી. આ થીસિસે ૧૯૪૧થી ૧૯૪૮ સુધી ચાલતી રહેલી પી.સી.જોશીના નેતૃત્વવાળી જનયુદ્ધ થીસિસને ઉલટી નાખી હતી. પી.સી.જોશીની આ જનયુદ્ધ થીસિસ, કોઈ પણ રીતે બ્રિટીશ શાસનની વિરુદ્ધ, સર્વહારા અને મહેનતકશોનું યુદ્ધ ન હતી, પરંતુ સોવિયેત સંઘની પ્રતિરક્ષાના નામ પર બ્રિટીશ શાસનના પક્ષમાં પૂર્ણ સમર્પણની નીતિ હતી.

સ્તાલીન દ્વારા નિર્દેશિત જનયુદ્ધની આ નીતિને કારણે જ સીપીઆઇ ઉપનિવેશવાદ વિરોધી ક્રાંતિકારી સંઘર્ષ પ્રત્યે વિશ્વાસઘાત કરીને, બ્રિટીશ શાસન સાથે મળી ગયી હતી. આ નીતિને કારણે, સીપીઆઇ એ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટીશ સરકારના સૈનિક અભિયાનોને સક્રિય સમર્થન તો આપ્યું જ, સૈનિક ભારતીઓમાં ભાગ તો લીધો જ, પણ ઔપનીવેશિક સરકાર માટે સીધી રીતે જાસૂસી પણ કરી. સ્તાલીન દ્વારા હત્યા કરાવી દેવામાં આવ્યાની તરત પહેલાં, રશિયન ક્રાંતિના મહાન નેતા લીઓન ત્રોત્સકી, ભારતના મજૂરો-ખેડૂતોને આહ્વાન કરી રહ્યા હતા કે એમનું પેહલું કર્તવ્ય છે, બ્રિટીશ સરકારને સર્વહારા ક્રાંતિ વડે ઉથલાવી નાખવું. પણ સ્તાલિનના નિર્દેશો પર કામ કરી રહી સી.પી.આઈ. જનયુદ્ધના નામ પર ૧૯૪૧થી સતત બ્રિટીશ હુકુમતનું સમર્થન કરતી રહી. બ્રિટીશ સરકાર દ્વારા પ્રસ્તાવિત માઉન્ટબૈટન પ્લાન અને તેની હેઠળ ૧૯૪૭માં દેશી-વિદેશી પૂંજીપતિઓ વચ્ચે સત્તા વિતરણને સીપીઆઇ એ આઝાદીગણાવીને સમર્થન આપ્યું અને ભારતીય ઉપમહાદ્વીપનું સાંપ્રદાયિક વિભાજન બેશરમીપૂર્વક સ્વીકારી લીધું.

પી.સી.જોશી થીસીસના નામે પ્રચારિત જનયુદ્ધની આ નીતિ પી.સી.જોશી દ્વારા નહિ, પણ સ્તાલીન હેઠળ ક્રેમલીન દ્વારા પ્રતિપાદિત કરાઈ હતી અને માત્ર ક્રેમલીનના રાષ્ટ્રીય-બ્યુરોક્રેટીક હિતો સાધવાનું કામ કરતી હતી. ઉદાર બુર્જુઆજી સાથે સહ-સબંધ પર આધારિત જનયુદ્ધની આ નીતિ, સ્તાલીનની એ ક્રાંતિ-વિરોધી નીતિનો બીજો છેડો હતો, જે નીતિ હેઠળ સ્તાલીને ૧૯૩૯માં ફાસીવાદી હિટલર સાથે યુદ્ધ-સંધિ કરી લીધી હતી અને એની સાથે મળીને, સહિયારા સૈનિક અભિયાનો દ્વારા યુરોપ પર કબ્ઝો કરી લેવાનો માસ્ટરપ્લાન તૈયાર કર્યો હતો. પોલેન્ડ પર હિટલર અને સ્તાલીનનો સહિયારો હુમલો આ પ્લાનનો જ એક ભાગ હતો. પણ સ્તાલિનના મિત્ર હિટલરનો પ્લાન યુરોપની સાથે રશિયાને પણ ગળી જવાનો હતો. હિટલરે વિશ્વાસઘાત કર્યો અને રશિયા પર હુમલો કર્યો ત્યારપછી સતાલીને જનયુદ્ધના નામ પર દુનિયાની બધી કોમ્યુનીસ્ટ પાર્ટીઓને ફાસીવાદીઓ વિરુદ્ધ લડવાનો અને પૂંજીપતિઓના ઉદાર વિભાગો સાથે ફરીથી મોરચો બનાવવાનું સુચન કર્યું હતું.

જનયુદ્ધની આ નવી નીતિને કારણે સ્તાલીને બ્રિટૈન, ફ્રાંસ અને અમેરિકા સાથે તો યુદ્ધ-સંધિ કરી લીધી જ હતી, પણ આ સામ્રાજ્યવાદી દેશોના અધીનસ્થ ઉપનીવેશોમાં ક્રાંતિકારી સંઘર્ષને રોકવા માટે અને ઔપનીવેશિક સરકારોને સક્રિય સહયોગ દેવા માટે એ દેશોમાં ઉપસ્થિત કોમ્યુનીસ્ટ પાર્ટીઓને લાચાર પણ કરી હતી. આ સામ્રાજ્યવાદીઓને ખુશ કરવા માટે જ ૧૯૪૩માં સ્તાલીને સર્વહારાની વિશ્વ પાર્ટી કોમીન્ટર્નને પણ ભંગ કરી નાખી હતી. સામ્રાજ્યવાદીઓના એક વિભાગ વિરુદ્ધ બીજા વિભાગ સાથે મળીને, સંપૂર્ણપણે ક્રેમલીનના રાષ્ટ્રીય-બ્યુરોક્રેટીક હિતોની પ્રતિરક્ષા માટે ચલાવાયેલા આ શરમજનક અભિયાનને સ્તાલીન જનયુદ્ધ કહેતો અને દુનિયાભરની કોમ્યુનીસ્ટ પાર્ટીઓને એમાં બળતણની જેમ ઉપયોગ કરીને, બ્રિટૈન અને ફ્રાંસ અધીનસ્થ ઉપનીવેશોમાં ક્રાંતિકારી સંઘર્ષની બલિ ચઢાવી એને નિર્દેશિત કરી રહ્યો હતો.

સર્વહારા અંતરરાષ્ટ્રીયતાવાદના ખુલ્લા વિરોધ પર આધારિત, ક્રેમલીનની આ રાષ્ટ્રીય નીતિનું જ પરિણામ હતું કે ભારતમાં સીપીઆઇ, ભગત સિંહ અને તેમના સાથીઓને ફાંસીએ લટકાવનારી અને ક્રાંતિકારી આંદોલનનું ક્રૂરતમ દમન કરનારી બ્રિટીશ સરકારની દલાલી અને ક્રાંતિકારી આંદોલન સાથે વિશ્વાસઘાત કરી રહી હતી. દુનિયાભરમાં લાગુ કરાયેલી આ નીતિ પી.સી.જોશી ની નહિ, પરંતુ સ્તાલીનની હતી, પી.સી.જોશી લાઈન તો ફક્ત તેને પ્રતિધ્વનિત કરી રહી હતી.

ખરેખર, સ્તાલીનની આ નીતિ દત્ત-બ્રેડલે થીસિસના નામે બ્રિટીશ કોમ્યુનીસ્ટ પાર્ટી દ્વારા જુન ૧૯૪૧માં રજુ કરવામાં આવેલા એ નીતિગત દસ્તાવેજ પર આધારિત હતી, જે સ્તાલીને પોતે તૈયાર કર્યો હતો. દત્ત-બ્રેડલે થીસિસમાં ૧૯૩૪થી ચાલી આવતી સીપીઆઇની નીતિની આલોચના કરવામાં આવી હતી, તેને અતિ-વામપંથી, દુઃસાહસવાદી અને સંકુચિત ગણાવીને, રાષ્ટ્રીય બુર્જુઆજી સાથે રાષ્ટ્રીય-મોરચાઓ બનાવવાની લાઈન આપવામાં આવી હતી. તેને લીધે જ સીપીઆઇ બુર્જુઆ કોંગ્રેસની વિરુદ્ધ લડવાને બદલે એની સાથે હાથ મિલાવી લીધો હતો. દત્ત-બ્રેડલે થીસિસ કોમીન્ટર્નની છઠી કોંગ્રેસમાં પ્રસ્તૂત દિમીત્રોવ થીસિસનો પૂનઃપાઠ હતો, જે સ્તાલિનના નિર્દેશ પર તૈયાર કરવામાં આવી હતી.

બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટૈન, ફ્રાંસ અને અમેરિકી સામ્રાજ્યવાદીઓ સાથેના ગઠજોડને ચાલુ રાખવા માટે સ્તાલીને ઘણી કોશિશો કરી હતી. માર્ચ-અપ્રિલ ૧૯૪૭માં આયોજિત સોવિયેત, અમેરિકી, ફ્રેંચ અને બ્રિટીશ વિદેશ મંત્રીઓની કોન્ફરન્સમાં ક્રેમલીનનો મત હતો કે બીજા વિશ્વયુદ્ધની પુર્ણાહુતી સાથે, બ્રિટૈન, ફ્રાંસ અને અમેરિકા સાથેના સોવિયેત સંઘના સહ-સબંધ સમાપ્ત નહિ થાય પણ તે વધુ મજબૂત થશે. પણ ફાસીવાદી છાવણી લુપ્ત થઇ ગયા પછી હવે બ્રિટીશ, અમેરિકી અને ફ્રેંચ સામ્રાજ્યવાદીઓ તેના માટે તૈયાર ન હતા. સામ્રાજ્યવાદીઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા યાલ્ટા, પાટ્સડેમ અને તેહરાનના યુદ્ધ-કરારોનું ઉલ્લંઘન કરવા લાગ્યા હતા.

લાચાર થયેલા સ્તાલીને પછી પલટી મારી અને પ્રતિક્રાંતિકારી ધુર્તાતાપૂર્વક ક્રેમલીનના રાષ્ટ્રીય હિતો ને અંતરરાષ્ટ્રીય ક્રાંતિના હિતો સાથે ગડ્ડ-મડ્ડ કરીને, સપ્ટેમ્બર ૧૯૪૭ની કોમીન્ટર્નમાં રશિયન કોમ્યુનીસ્ટ પાર્ટી તરફથી કરવામાં આવેલા ઉદઘાટન ભાષણમાં પોતાની કઠપૂતળી આંદ્રેવ ઝદાનોવ પાસે એક નવી થીસિસ વંચાવી. ઝદાનોવ થીસિસ અનુસાર દુનિયામાં પૂંજીવાદ વિરુદ્ધ નિર્ણાયક સંઘર્ષનો સમય ફરીથી આવી ગયો છે.

એ જ વખતે, સીપીઆઇ એ અનાયાસ અને આકસ્મિક વળાંક લીધો. પી.સી.જોશીની નીતિની આલોચના કરવાની સાથે, ફેબ્રુઆરી-માર્ચ ૧૯૪૮માં રણદીવે થીસિસરજુ કરવામાં આવી, જેણે ભારતને તેલંગાના ખેડૂત વિદ્રોહ માટે પોકાર કરી. જુન ૧૯૪૭માં માઉન્ટબૈટન પ્લાન અને તેની હેઠળ ઓગસ્ટ ૧૯૪૭માં ભારતના કોમી વિભાજનને શરમજનક સમર્થન અને સત્તા-હસ્તાંતરણને આઝાદી ગણાવનારી સીપીઆઇ હવે ઝદાનોવ થીસિસના ઉંધા પાળા ગોખવા માંડી હતી. રણદિવે થીસિસઝદાનોવ થીસિસની જ નકલ હતી. ઝદાનોવ થીસિસના પ્રકરણ એક અને બેની જેમ ની તેમ નકલ કરી લેવામાં આવી હતી. રણદિવે થીસિસકોઈ પણ રીતે ભારત કે અંતરરાષ્ટ્રીય રાજનીતિક પરિસ્થિતિઓની સમજ કે મૂલ્યાંકન પર આધારિત ન હતી, માત્ર ઝદાનોવ થીસિસની નકલ જ હતી. સીપીઆઇના મહાન સિદ્ધાંતકારો સ્તાલિનના કથનોની સીધી નકલ જ કરી રહ્યા હતા. રણદિવે થીસિસ અનુસાર બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સાથે રાજનીતિક સમીકરણો બદલાઈ ગયા હતા.

૧૯૪૧માં પી.સી.જોશી લાઈન એકમાત્ર ક્રાંતિકારી માર્ક્સવાદી-લેનિનવાદી લાઈન હતી, તો હવે રણદિવે લાઈન એકમાત્ર ક્રાંતિકારી માર્ક્સવાદી-લેનિનવાદી લાઈન હતી.

પરંતુ ઝદાનોવ થીસિસ પાછળ સ્તાલીનવાદી બ્યુરોક્રેસીનું લક્ષ્ય ખરેખર ક્રાંતિઓ સંપન્ન કરવાનું ન હતું, પણ રાષ્ટ્રીય બુર્જુઆ સરકારો પર દબાણ કરીને તેમને ક્રેમલીન સાથે સાંઠ-ગાંઠો કરવા માટે લાચાર કરવાનું હતું. આ લાઈન હેઠળ, બ્રિટૈન, ફ્રાંસ અને અમેરિકામાં ફરી એકવાર કોમ્યુનીસ્ટ પાર્ટીઓ હડતાલ-સંઘર્ષોમાં ભાગ લેવા લાગ્યા અને ઉપનીવેશોમાં રાષ્ટ્રીય પૂંજીપતિ વર્ગ પર સોવિયેત છાવણીમાં દાખલ થવા માટે દબાણ બનાવવા લાગ્યા.

નેહરુ સરકાર ત્યાં સુધી બ્રિટીશ કોમનવેલ્થમાં બ્રિટૈનનું અનુકરણ કરી રહી હતી અને સોવિયેત છાવણીમાં ધકેલવા માટે માત્ર એક ઝટકો આપવાનો હતો. તેલંગાનામાં કિસાન વિદ્રોહ, દેખીતી રીતે જ, આ કામ કરવા માટે સક્ષમ હતો અને તેણે કર્યું પણ.

પી.સી.જોશી લાઈનને અવસરવાદી, દક્ષિણ-સુધારવાદી અને પેટ્ટી-બુર્જુઆ સંશોધનવાદી કહી તેની નિંદા કરીને, સીપીઆઇની બીજી કોંગ્રેસે, કોઈ ઠોસ વિશ્લેષણ કે તૈયારી કર્યા વગર જ, ‘રણદિવે થીસિસહેઠળ તેલંગાનામાં સશસ્ત્ર સંઘર્ષ માટે આહ્વાન કર્યું. રણદિવે થીસિસમાં કહ્યું હતું કે જનતાના ભ્રમ તૂટી ગયા છે અને તે પરિવર્તન માટે બેચૈન છે.

રણદિવે લાઈન હેઠળ પી.સી.જોશી અને તેમના સમર્થકોને પાર્ટીથી અલગ કરી દેવામાં આવ્યા અને વિખરાયેલા ખેડૂત જૂથોને અતિ-આધુનિક શસ્ત્રોથી સજ્જ સૈન્ય સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા.

નિઃશસ્ત્ર ખેડૂતો અને યુવાનોએ અત્યંત સાહસપૂર્વક નિઝામ અને તેના રઝાકારોનો અચકાયા વિના સામનો કર્યો, ત્યાં સુધી કે જ્યાર સુધીમાં, નેહરુ સરકારે ગૃહમંત્રી સરદાર પટેલની ભલામણ પર, ખેડૂત વિદ્રોહને દબાવવા માટે, સશસ્ત્ર સૈન્ય ન મોકલ્યું. આ લશ્કરે વિદ્રોહનું ક્રુરતાપૂર્વક દમન કર્યું. પચાસ હજારથી વધારે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો આ સંઘર્ષમાં બલીએ ચઢ્યા. છતાં પણ વિદ્રોહ ત્રણ વર્ષ સુધી ચાલતો રહ્યો.

અહિયાં, તેલંગાનામાં ઘેરાયેલી નેહરુ સરકાર, ક્રેમલીન સાથે સારા સંબંધો રાખવા માટે તૈયાર હતી. સોવિયેત રાજદૂત વાઈશેન્સકીએ ભોજન સમારંભનું આયોજન કર્યું અને નેહરુ સરકારને એ ભારતીય સંવિધાનની સ્થાપના માટે શુભેચ્છા પાઠવી, કે જે ૧૯૩૫ના કુખ્યાત ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કાનૂન પર આધારિત હતું. બદલામાં ભારતે ચીની ગણતંત્રને માન્યતા આપી અને ભારતને ગુટનિરપેક્ષ ઘોષિત કર્યું. સ્તાલીનનું કામ પરુ થઇ ગયું હતું. સ્તાલીન અધીનસ્થ ક્રેમલીન બ્યુરોક્રેસી માટે તેલંગાના આંદોલન હવે કોઈ કામનું ન રહ્યું.

સ્તાલીને પછી પલટી મારી અને ફરીથી ૧૯૪૧વાળી દિમીત્રોવ લાઈન પર આવી ગયો. રણદિવે થીસિસને વામમાર્ગી વિચલન ગણાવીને તેની ખુબ નિંદા કરી. સ્તાલિનના સીધા માર્ગદર્શનમાં, બ્રિટીશ કોમ્યુનીસ્ટ પાર્ટી માટે નવી નીતિ બ્રિટીશ રોડ ટૂ સોશીયલીજ્મહેઠળ પ્રતિપાદિત કરવામાં આવી, જેમાં સ્પષ્ટ કેહવામાં આવ્યું હતું કે દુનિયાભરમાં ક્રાંતિ હવે સશસ્ત્ર વિદ્રોહના રસ્તે નહિ, પણ શાંતિપૂર્ણ સંસદીય સંઘર્ષમાંથી પસાર થશે અને કોમ્યુનીસ્ટ પાર્ટીઓને ફરીથી રાષ્ટ્રીય બુર્જુઆજીના જનવાદી અને પ્રગતિશીલ વિભાગો શોધવા અને તેમની સાથે ગઠબંધન કરવા માટે સુચન કરવામાં આવ્યું.

તેલંગાના કિસાન વિદ્રોહમાં અસંખ્ય બલિદાનો આપ્યા પછી મજૂરો, ખેડૂતો અને યુવાનોને કહેવામાં કરવામાં આવ્યું કે રણદિવે થીસિસ માર્ક્સવાદ-લેનીનવાદ પ્રત્યે વામપંથી ભટકાવ હતી અને હવે બુર્જુઆ સંસદ તરફ પાછા વાળીને, તેને દુરસ્ત કરી લેવામાં આવી છે.

ખરેખર, સ્તાલીનવાદી બ્યુરોક્રેસી, સર્વહારા અંતરરાષ્ટ્રીયતાવાદ અને વિશ્વ સમાજવાદી ક્રાંતિની વિરુદ્ધ, રાષ્ટ્રીય નીતિનું અનુસરણ કરી રહી હતી, જેનું લક્ષ્ય વિશ્વ ક્રાંતિના હિતોની બલિ ચઢાવીને ક્રેમલીનમાં સત્તાને બચાવવાનું હતું.

તેલંગાનાની નિષ્ફળતા એ રસ્તાની નિષ્ફળતા હતી, જેને ચીની રસ્તાનાં નામે પ્રચારિત કરવામાં આવ્યો છે. શહેરી સર્વહારાને રાજનીતિક હાશિયા પર ધકેલીને, વિભાજીત-વિખરાયેલા ખેડૂત વર્ગને પછાત દેશોમાં ક્રાંતિની મુખ્ય શક્તિના રૂપે પ્રસ્તાવિત કરનારો આ ચીની રસ્તો, ઓક્ટોબર ક્રાંતિના નિષ્કર્ષોની એકદમ વિરુદ્ધ દિશામાં જાય છે. ખેડૂત વર્ગ કોઈ દેશમાં ગમે તેટલી મોટી સંખ્યામાં કેમ ન હોય, તે ક્યારેય રાષ્ટ્રીય સ્તર પર ક્રાંતિ માટે અનિવાર્ય, સ્વતંત્ર રાજનીતિક શક્તિના રૂપે સમાયોજિત ન થઇ શકે. તે કાં તો બુર્જુઆજી અને કાં પછી સર્વહારાના નેતૃત્વમાં જ રાજનીતિક ભૂમિકા અદા કરી શકે. બીજું, પૂંજીની આર્થિક અને રાજનીતિક વ્યવસ્થાને છિન્નભિન્ન કરવામાટે પૂંજીના નાડીતંત્ર તરફ જે નિકટતાની જરૂર હોય છે, તેનાથી ખેડૂત વર્ગ ઘણો દૂર હોય છે. અગણિત સામાજિક-આર્થિક સંસ્તરોમાં વિખરાયેલા ખેડૂત વર્ગના વિવિધ વિભાગો અલગ અલગ દેશ-કાળમાં ક્રાંતિનું સમર્થન કે વિરોધ કરી શકે. સૌથી પહેલાં તો એ કે, ગામડું અને ખેડૂત, સીધી રીતે શહેર પર નિર્ભર કરે છે. એટલે રાષ્ટ્રીય બુર્જુઆજીની સત્તા નષ્ટ કરવામાટે ગ્રામ્ય સંગઠન સંપૂર્ણપણે અપર્યાપ્ત છે અને ખેડૂતો માત્ર શહેરી-ઔધૌગિક સર્વહારાના રાજનીતિક નેતૃત્વમાં જ પૂંજીની સત્તા વિરુદ્ધ ક્રાંતિ તરફ અગ્રેસર થઇ શકે.

ખેડૂત આંદોલનાની આ વિશેષતાઓની અવગણના કરીને સ્તાલીનવાદીઓ ઓક્ટોબરના ક્રાંતિના બોધપાઠો તરફથી મોઢું ફેરવીને, ક્રાંતિકારી આંદોલનના દમન માટે રસ્તો તૈયાર કરે છે.

તેલંગાના ખેડૂત સંઘર્ષનો સંક્ષિપ્ત ઈતિહાસ, તેના સ્તાલીનવાદી નેતૃત્વની એક પછી એક નિષ્ફળતાઓનો ઇતિહાસ છે. તેલંગાના કોઈ રસ્તો ન હતો, ન છે. તેલંગાનાએ ખરેખર ઓક્ટોબર ક્રાંતિના રસ્તે જવાનું હતું. જેનો અર્થ હતો, નેહરુ સરકાર વિરુદ્ધ દેલ્હી, બમ્બઈ, મદ્રાસ જેવા મોટા શહેરોમાં સર્વહારાનો તીવ્ર રાજનીતિક સંઘર્ષ, જેને દેશભરમાં તેલંગાના જેવા ડઝનો ખેડૂત આંદોલનોનું સમર્થન મળત. પણ સ્તાલીન અને તેની હેઠળ ક્રેમલીનની બોગસ રાષ્ટ્રીય-બ્યુરોક્રેટીક નીતિઓને કારણે આખા ક્રાંતિકારી આંદોલનનો જ દમ નીકળી ગયો અને એનો દુઃખદ અંત રાષ્ટ્રીય બુર્જુઆજીના ચરણોમાં થયો, જ્યાં તેનું લહુલુંહાણ અને મૃત શરીર આજેય પડ્યું છે.

No comments:

Post a Comment